વોર્ડ નં. 3માં ખુલ્લા નાળાથી રહીશો ત્રસ્ત: મચ્છરજન્ય રોગચાળાનો ભય: પાલિકાના આશ્વાસનથી લોકોમાં રોષ
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર-3માં શિવનગર સોસાયટીની પાછળથી પસાર થતું ખુલ્લું નાળું વર્ષોથી ગંદકીથી ખદબદી રહ્યું છે. આસપાસના વિસ્તારોનું ગંદુ પાણી અને કચરો નાળામાં ઠલવાતાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. પરિણામે સ્થાનિક રહીશો સહિત નજીકમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓ ના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. મચ્છરોના ઉપદ્રવ અને ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વચ્ચે રહીશો વર્ષોથી આ સમસ્યાના કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે.
શિવનગર સોસાયટીના પાછળ ના ભાગેથી ગાયત્રીનગર સુધી પસાર થતા આ નાળાને પાઇપો નાખીને બંધ કરવાની માંગ સાથે વર્ષ 2013માં પાલનપુર નગરપાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત પૂર્વ નગરસેવક સહિત સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. દર વખતે કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવાના આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર સ્થિતિ યથાવત્ રહેતાં રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે.





