સસરાને મળવા ગયેલા યુવકની બાઇક અડધા કલાકમાં ગાયબ, લાંબી શોધખોળ બાદ પણ પત્તો નહીં
ડીસા શહેરમાં વાહનચોરીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના જલારામ ભોજનાલયના પાર્કિંગમાં મૂકેલી એક યુવકની મોટરસાઇકલ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ચોરી થયેલી મોટરસાઇકલની કિંમત આશરે રૂ. 40 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ડીસાના મીરા મહોલ્લા નવી પોલીસ લાઇન વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા વિનોદકુમાર નાનજીભાઈ ઠાકોરે આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, ગત તા. 11 નવેમ્બરના રોજ તેઓ પોતાના સસરા પોપટજી વિરચંદજી ઠાકોરને મળવા માટે ડીસાના જલારામ ભોજનાલય ખાતે ગયા હતા.તેમણે બપોરે આશરે 12 વાગ્યે પોતાની મોટરસાઇકલ પાર્કિંગમાં મૂકી હતી. ત્યારબાદ 12:30 વાગ્યે પરત ફરતાં પાર્ક કરેલી બાઇક સ્થળ પર જોવા મળી નહોતી.સસરા સાથે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં બાઇક મળી આવી નહોતી. ત્યારબાદ તેમણે પોલીસને મૌખિક જાણ કરી હતી. વાહનના જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાથી તે સમયે ફરિયાદ નોંધાવી નહોતી.
લાંબા સમય સુધી બાઇકની ભાળ ન મળતાં તેમણે ઈ-એફઆઈઆર નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતાં તેમણે રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી.ચોરી થયેલી મોટરસાઇકલ કાળા રંગની અને બ્લુ પટ્ટાવાળી વર્ષ 2016ના મોડલની હોવાનું, જેની અંદાજિત કિંમત રૂ. 40 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.





