રહેણાંક વિસ્તાર નજીક આગની ઘટનાથી લોકોમાં ચિંતા; તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથક ખાતે લક્ષ્મણપુરા-વરવાડિયા રોડ પર સર્વે નંબર 630માં, સરકારી તાલુકા પુસ્તકાલય નજીક આવેલા સરફરાજ ભંગારીના વિશાળ ભંગારના ગોડાઉનમાં શુક્રવારની સવારે આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતાં નજીકના રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોમાં ચિંતા ફેલાઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પાલનપુરથી અગ્નિશમન વાહનો બોલાવવામાં આવ્યાં હતાં. ફાયર વિભાગની કામગીરી બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આગ લાગવાનું કારણ તપાસનો વિષય
ગોડાઉનમાં આગ અકસ્માતે લાગી હતી કે અન્ય કોઈ કારણસર લાગી હતી, તે અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
એક જ સ્થળે બીજી વખત આગની ઘટના
સ્થાનિક માહિતી અનુસાર, સરફરાજ ભંગારીના ગોડાઉનમાં અગાઉ પણ આગની ઘટના બની હતી. એક જ સ્થળે બીજી વખત આગ લાગવાની ઘટનાને પગલે ગોડાઉનની સુરક્ષા વ્યવસ્થા, અગ્નિશમન સાધનોની ઉપલબ્ધતા અને સંબંધિત નિયમોના પાલન અંગે તપાસ કરવાની માંગ ઊઠી છે.
વહીવટી તંત્રની જવાબદારી અંગે ચર્ચા
વડગામ તાલુકા મથકમાં આશરે 25 હજાર લોકો વસવાટ કરતા હોવાના સ્થાનિક અંદાજ વચ્ચે રહેણાંક વિસ્તારની નજીક આવેલી આવી જગ્યાઓમાં આગ જેવી દુર્ઘટના બને ત્યારે જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવી અત્યંત જરૂરી છે. ઘટનાને પગલે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળની તપાસ કરાવી, ગોડાઉનની સુરક્ષા વ્યવસ્થા અને જરૂરી મંજૂરીઓ અંગે ચકાસણી કરવામાં આવે તેવી તાલુકાવાસીઓની માંગ છે.
આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં વહીવટી તંત્રની સજ્જતા અને આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે લેવાતાં પગલાં અંગે ચર્ચા શરૂ થઈ છે. તંત્ર દ્વારા ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી, જો કોઈ બેદરકારી જણાય તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી સુરક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.





