અરવલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાના અમલીકરણ સંદર્ભે એસ.ઓ.જી. (SOG) પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટેલમાં સી.સી.ટી.વી. કેમેરા ન લગાવી જાહેરનામાનો ભંગ કરવા બદલ હોટેલ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સુચના અને એસ.ઓ.જી. પી.આઈ. પી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ધોલવાણી-ભિલોડા હાઇવે રોડ પર બાલાજી મોટર્સ સામે આવેલ ‘શ્રી સાંવરીયા પરોઠા હાઉસ’ હોટલની તપાસ કરતા, ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવેલા ન હોવાનું સામે આવ્યું હતું.
સરકારી જાહેરનામાનો અનાદર કરવા બદલ હોટેલ સંચાલક રમેશભાઇ સબળાજી ભગોરા (ઉં.વ.૪૮, રહે. હાલ ભિલોડા, મૂળ રહે. કમઠાડીયા, તા. ભિલોડા) વિરૂદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી એસ.ઓ.જી. પી.આઈ. પી.બી. ચૌધરી, પી.એસ.આઈ. એ.એચ. રાઠોડ, એ.એસ.આઈ. રાજેશકુમાર તથા હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ, ફ્રાન્સિસભાઈ અને હસમૂખભાઈ દ્વારા કરવામાં આવી હતી.





