જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા અને 'લાલશાહી' યાદીમાં સામેલ આરોપીને પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચનાથી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ આઈ.એસ. રબારી અને ટીમ નાસતા ફરતા આરોપીઓની શોધખોળમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિર્મલકુમાર અમ્રુતભાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ૧૧૧૮૮૦૦૭૨૬૦૩૧૩/૨૦૨૬ (BNS કલમ-૨૮૧ તથા પ્રોહિબિશન કલમ-૬૫AE, ૮૧) હેઠળ નાસતો ફરતો આરોપી પરબતસિંહ પુનાભાઈ બારીયા (મૂળ રહે. બાલુપુરા, તા. ગોધરા, જી. પંચમહાલ) હાલ પોતાના નવા રહેઠાણ નાટાપુર (તા. મોરવા હડફ, જી. પંચમહાલ) ખાતે હાજર છે.
બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મોરવા હડફના નાટાપુર ગામે દરોડો પાડી આરોપી પરબતસિંહ બારીયાને તેના ઘરેથી ઝડપી લીધો હતો. પોલીસે BNSS કલમ-૩૫(૧) મુજબ આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને મેઘરજ પોલીસ સ્ટેશને સોંપ્યો છે. આ સફળ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઈ આઈ.એસ. રબારી, હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર, નિર્મલકુમાર, રાકેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશકુમાર, દિવ્યરાજસિંહ અને ડ્રાઈવર કોન્સ્ટેબલ ભરતકુમાર દ્વારા કરવામાં આવી હતી.





