એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વહીવટી તંત્ર, સામાજિક આગેવાનો અને ફોરેસ્ટ વિભાગના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન
પર્યાવરણ જતન અને હરિયાળી ક્રાંતિના સંદેશ સાથે ઈડર સ્થિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હોલ ખાતે ૭૭મા તાલુકા કક્ષાના ‘વન મહોત્સવ’ ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. દેશવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત યોજાયેલા આ પ્રોગ્રામમાં પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારો, વહીવટી અધિકારીઓ તેમજ ફોરેસ્ટ વિભાગના કાફલાએ ઉત્સાહભેર ભાગ લઈ કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
સવારે કોલેજના મધ્યસ્થ હોલ ખાતે આમંત્રિત મહાનુભાવોના હસ્તે પ્રભુ સ્મરણ અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોલેજ પરિવાર દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ અને શબ્દોથી ભાવભીનું સ્વાગત કરાયું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં વક્તાઓએ પર્યાવરણની સમતુલા જાળવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા પર ભાર મૂક્યો હતો.
સભામંડળના કાર્યક્રમ બાદ તમામ મહાનુભાવો કોલેજના વિશાળ ગ્રાઉન્ડમાં એકત્રિત થયા હતા. જ્યાં 'એક પેડ મા કે નામ' સંકલ્પ સાથે દરેક અતિથિએ પોતાના નામે અને મા ની સ્મૃતિમાં એક-એક વૃક્ષનું વાવેતર કરી સમાજને પ્રકૃતિ પ્રેમનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો.





