શિહોરી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રણાવાડા જાગીર ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર ઘર્ષણ થતાં ધીંગાણાની ઘટના સામે આવી છે. આ અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં ગામમાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, બંને જૂથો વચ્ચે થયેલી અથડામણમાં સોમાભાઈ શંકરભાઈ, રઘુભાઈ શંકરભાઈ અને રમેશભાઈ સોમાભાઈને માથાના ભાગે તેમજ હાથ-પગમાં ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્રણેયની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે પાટણ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એક જ સમાજના બે જૂથો વચ્ચે થયેલી આ અથડામણને પગલે રણાવાડા જાગીર ગામમાં ભારે ચર્ચાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે શિહોરી પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





