ટ્રાફિકના કારણે ફાયર ટીમ અટવાઈ
ડીસા તાલુકાના શેરપુરા ગામે આવેલા એક મંડપના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફડાતફડી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉનમાં રહેલો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જેમાં ગોડાઉન માલિકને આશરે ૨૦ થી ૨૫ લાખનું આર્થિક નુકસાન થયાનો અંદાજ છે.
ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ એકઠા થઈ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારબાદ ડીસા ફાયર ફાઈટરની ટીમ ડ્રાઇવર ધનાજી પરમાર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમ અને સ્થાનિકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો, જેથી મોટી હોનારત ટળી હતી. બીજી તરફ, દિવાળીના તહેવારને લીધે શહેરમાં આડેધડ પાર્કિંગ તેમજ લાર-ગલ્લાં અને સ્ટોલના દબાણોના કારણે ફાયર ફાઈટર ટ્રાફિકમાં અટવાઈ ગયું હતું. ઈમરજન્સી સેવામાં નડેલા આ અવરોધને પગલે ટ્રાફિક પોલીસ અને વહીવટી તંત્રની બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.





