છાપરી ચેકપોસ્ટ પર રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનોની ઝીણવટભરી તપાસ
અસામાજિક તત્ત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા પોલીસ સતર્ક
દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનની આંતર રાજ્ય સરહદ પર પોલીસ દ્વારા સુરક્ષાને લઈને વિશેષ સતર્કતા દાખવવામાં આવી રહી છે.રાજસ્થાન તરફથી ગુજરાતમાં કોઈ અસામાજિક તત્ત્વો, ભાંગફોડિયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો કે ગેરકાયદેસર ચીજવસ્તુઓ લઈને પ્રવેશ ન કરે તે હેતુથી બંને રાજ્યોની પોલીસ દ્વારા સરહદ પર અવરજવર કરતાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.અંબાજી નજીક આવેલી છાપરી આંતરરાજ્ય બોર્ડર પર ગુજરાત પોલીસ ખાસ તકેદારી રાખી રહી છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતાં વાહનોને રોકીને પોલીસ કર્મચારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. વાહનોમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ગેરકાયદેસર સામગ્રી તો નથી ને ? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાત-રાજસ્થાન સરહદથી નજીક જ શક્તિપીઠ અંબાજીનું પ્રસિદ્ધ યાત્રાધામ આવેલું છે. દિવાળીના તહેવારો દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દર્શનાર્થે આવતા હોય છે. આવા સંજોગોમાં યાત્રાધામની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.બીજી તરફ રાજસ્થાન પોલીસ પણ પોતાની સરહદ પર સતર્કતા દાખવી રહી છે. ગુજરાત તરફથી રાજસ્થાનમાં પ્રવેશતાં વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી બંને રાજ્યોની સરહદ પર કોઈ ગેરકાયદેસર કે અસામાજિક પ્રવૃત્તિને સ્થાન ન મળે.દરમિયાન બોર્ડર પર ચાલી રહેલી પોલીસની આ તપાસને લઈને વાહનચાલકોમાં પણ સંતોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકો પોલીસની કામગીરીને આવકારી રહ્યા છે અને તહેવારો દરમિયાન જનતાની સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી રહ્યા છે.દિવાળીના તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને શ્રદ્ધાળુઓ નિર્ભય બનીને યાત્રાધામ અંબાજી સહિતના સ્થળોએ અવરજવર કરી શકે તે માટે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર પોલીસની સતર્કતા મહત્વપૂર્ણ બની રહી છે.





