રૂ.11.27 લાખની માસિક બોલી, GST સાથે દર મહિને રૂ. 13.29 લાખ ચૂકવવાના થશે; 11 મહિનામાં અંદાજિત રૂ. 1.46 કરોડની આવકનો અંદાજ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગ્રામ પંચાયત દ્વારા પે પાર્કિંગની હરાજી કરવામાં આવી હતી, જેમાં આ વખતે ઐતિહાસિક બોલી નોંધાતા સમગ્ર અંબાજીમાં આ હરાજી ચર્ચાનો વિષય બની છે. અંબાજીના સંતુરભાઈ વણઝારાએ માસિક રૂ. 11.27 લાખની ઊંચી બોલી લગાવી હરાજી પોતાના નામે કરી છે. આ બોલી ઉપર 18 ટકા GST ઉમેરતાં દર મહિને અંદાજે રૂ. 13.29 લાખની રકમ ગ્રામ પંચાયતને ચૂકવવાની થશે.
આમ, 11 મહિનાના સમયગાળા દરમિયાન GST સહિત અંદાજે રૂ. 1.46 કરોડની માતબર રકમ ગ્રામ પંચાયતની તિજોરીમાં જમા થવાનો અંદાજ છે. દિવાળીના તહેવારો પહેલાં જ ગ્રામ પંચાયતને આટલી મોટી આવક મળવાની શક્યતાને પગલે એક તરફ પંચાયતની આવકમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ આટલી ઊંચી બોલી લગાવનાર હરાજીદારની આર્થિક ક્ષમતા અને પાર્કિંગના વ્યવસાયની સંભાવનાઓ અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. પરંતુ આટલી મોટી રકમ દર મહિને નિયમિત રીતે ચૂકવવી હરાજીદાર માટે કેટલી વ્યવહારુ રહેશે? પાર્કિંગમાંથી થતી આવક અને પંચાયતને ચૂકવવાની થતી રકમ વચ્ચેનું ગણિત કેટલું બંધ બેસશે? હરાજીદાર સમયસર નાણાં ભરશે કે ભવિષ્યમાં નાણાંકીય મુશ્કેલી ઊભી થતાં વિવાદ સર્જાશે ? આ તમામ બાબતો હવે ચર્ચાનો વિષય બની છે.
બીજી તરફ, દર મહિને GST સહિત રૂ. 13.29 લાખ જેવી માતબર રકમ ચૂકવવાની જવાબદારી હોય ત્યારે આવકવેરાના દૃષ્ટિકોણથી પણ કેટલાક મહત્વના સવાલો ઊભા થાય છે. હરાજીદારની આટલી મોટી નાણાકીય જવાબદારી નિભાવવાની આર્થિક ક્ષમતા કેટલી છે ? આટલી મોટી રકમ ચૂકવવા માટે ભંડોળનો સ્ત્રોત શું છે ? વ્યવસાયનું ટર્નઓવર, આવકવેરા રિટર્ન, હિસાબી ચોપડા અને GST સંબંધિત વિગતો નિયમ મુજબ છે કે નહીં ? આ બાબતોની પારદર્શકતા જળવાય તે જરૂરી છે.અત્રે નોંધનીય છે કે માત્ર મોટી રકમની બોલી લગાવવાથી આવકવેરાની ગેરરીતિ સાબિત થતી નથી, પરંતુ આટલા મોટા નાણાકીય વ્યવહારને ધ્યાનમાં રાખીને સંબંધિત દસ્તાવેજો અને નાણાકીય ક્ષમતાની નિયમ મુજબ ચકાસણી થાય તે જાહેર હિતમાં જરૂરી છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે ગ્રામ પંચાયત દ્વારા હરાજીની શરતોનું કડક પાલન કરાવવામાં આવશે કે નહીં ? હરાજીદાર સમયસર માસિક રકમ ભરશે તેની ખાતરી માટે કેટલી સુરક્ષા રકમ કે બેંક ગેરંટી લેવામાં આવી છે ? જો નિયમિત ચુકવણી નહીં થાય તો પંચાયત દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવશે ? અંબાજી ગ્રામ પંચાયતની આ ઐતિહાસિક હરાજીથી આવકમાં વધારો થવાની આશા તો છે જ, પરંતુ હવે અધિકારીઓની નજર હરાજીની શરતો, નિયમિત ચુકવણી અને સમગ્ર નાણાકીય વ્યવહારની પારદર્શકતા ઉપર રહેશે. ગ્રામજનો અને વેપારીઓમાં પણ આ હરાજીના પરિણામો અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે.





