ભારે વાહનોની અવરજવર સામે ફરી સવાલો ઉઠ્યા
તહેવારો દરમિયાન ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. અંબાજીથી આશરે બે કિલોમીટર દૂર શીતળા ઘાટી વિસ્તારમાં મોડી રાત્રે એક ટ્રક ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતને પગલે ટ્રક રસ્તા વચ્ચે પલટી જતાં માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લાંબા સમય સુધી ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દિવસ દરમિયાન ભારે વાહનોને અંબાજીમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતાં રાત્રિના સમયે ભારે વાહનોની અવરજવર ચાલુ રહેતી હોવાના કારણે માર્ગ સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. ખાસ કરીને દિવાળી સહિતના તહેવારોના દિવસોમાં યાત્રિકો અને પ્રવાસીઓની અવરજવર વધતી હોવાથી ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ ઊઠી છે.
આ ઉપરાંત કેટલાક ભારે વાહનોમાં આરટીઓના નિયમો વિરુદ્ધ સાતથી આઠ જેટલી વ્હાઇટ એલઇડી લાઇટો લગાવવામાં આવતી હોવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. રાત્રિના સમયે આ લાઇટોના તીવ્ર પ્રકાશથી સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાઈ જતી હોવાની અને અકસ્માતનું જોખમ વધતું હોવાની રજૂઆતો થઈ રહી છે. હવે સવાલ એ છે કે અંબાજી-આબુરોડ માર્ગ પર વધતી ભારે વાહનોની અવરજવર, જોખમી વળાંકો અને રાત્રિના સમયે આંખો અંજાવી દેતી લાઇટો સામે તંત્ર ક્યારે કડક પગલાં ભરશે ? યાત્રાધામ અંબાજીમાં તહેવારો દરમિયાન યાત્રિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી ભારે વાહનો પર સમયબદ્ધ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે કે પછી આવા અકસ્માતો બાદ પણ તંત્ર માત્ર કાર્યવાહી પૂરતું જ સીમિત રહેશે ?





