ગામતળ અને આઉટગ્રોથ વિસ્તારમાં થશે નવીન વીજળી કરણ
ઊંઝા ત્રણ રસ્તાથી રશિયન નગર સુધી લાઈટો લાગશે
પાટણ શહેરમાં નાગરિકોની સુવિધા અને માર્ગો પર રોશની વધારવા પાટણ નગરપાલિકાની સ્ટ્રીટલાઈટ સમિતિ દ્વારા રૂ. 93 લાખથી વધુના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. ગામતળ અને આઉટગ્રોથ (ઓજી) વિસ્તારમાં નવીન વીજળીકરણ, મિની હાઈમાસ્ક તેમજ મુખ્ય માર્ગના ડિવાઈડર પર લાઈટો લગાવવાની યોજના છે. આ કામગીરીથી શહેરના માર્ગો રાત્રિના સમયે વધુ સુરક્ષિત અને પ્રકાશમય બનશે.
સ્ટ્રીટલાઈટ સમિતિની બેઠકમાં વિવિધ વિસ્તારોની જરૂરિયાતોને આધારે નિર્ણયો લેવાયા હતા. પાટણ નગરપાલિકાના ગામતળ હદ વિસ્તાર અને ઓજી વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ અંદાજે 8.42 લાખના ખર્ચે નવીન વીજળીકરણ હાથ ધરાશે. આ આયોજનથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને રાત્રિના સમયે પૂરતો પ્રકાશ મળી રહેશે. શહેરના મુખ્ય જંક્શનો, ચોક અને જાહેર સ્થળોએ વધુ સારો પ્રકાશ પૂરો પાડવાના હેતુથી આ નિણૅયલેવાયો છે.હેતુથી અગત્યનો નિર્ણય લેવાયો છે. ગામતળ અને ઓજી વિસ્તારોમાં મિની હાઈમાસ્ક ઊભા કરીને વીજળીકરણ કરવા માટે રૂ. 52 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરના મુખ્ય રસ્તાઓ અને જાહેર સ્થળો પર પ્રકાશની વ્યવસ્થામાં સુધારો થશે.
ડિવાઈડર પર લાઈટો માટે રૂ. 33 લાખ પાટણના મુખ્ય વાહનવ્યવહાર ધરાવતા ઊંઝા ત્રણ રસ્તાથી રશિયન નગર સોસાયટી સુધીના માર્ગ પર નવીન સ્ટ્રીટલાઈટો લગાવાશે. જી.આઈ. પોલ આધારિત આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 31.20 લાખથી 33 લાખ સુધીનો ખર્ચ થશે. આ રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા માટે આ વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.





