પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટનામાં, અજાણ્યા તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને આંગડિયા પેઢીઓમાં મોટો તરખાટ મચાવ્યો છે. મોડી રાત્રે તસ્કરોએ પાલનપુરના હરિઓમ માર્કેટમાં આવેલી એક-બે નહીં પરંતુ એકસાથે પાંચ આંગડિયા પેઢીઓને નિશાન બનાવી છે. મળતી વિગત અનુસાર, મોડી રાત્રિના અંધકારનો લાભ લઈને અજાણ્યા તસ્કરો હરિઓમ માર્કેટમાં ત્રાટક્યા હતા અને પાંચ આંગડિયા પેઢીઓના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો આ આંગડિયા પેઢીઓમાંથી ત્રણ લાખ રૂપિયા કરતાં વધુ કિંમતનો મુદ્દામાલ ચોરી કરીને રફુચક્કર થઈ ગયા છે.






