ચાણસ્મા-હારીજ રોડ પર જીઆઈડીસી સામે આવેલ સુર્યા ગેસ્ટ હાઉસમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સ્થળ પરથી 3 મહિલાઓ અને 1 ગ્રાહક મળી આવ્યા હતા, જ્યારે ગેસ્ટ હાઉસ સંચાલક ફરાર થઈ ગયો હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચાણસ્મા પોલીસ મથકે ટેલિફોન મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે ચાણસ્મા-હારીજ રોડ પર આવેલ સુર્યા ગેસ્ટ હાઉસમાં બહારથી મહિલાઓને લાવી દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે આકસ્મિક રેડ પાડી હતી. તપાસ દરમિયાન રૂમ નંબર 105 માંથી સાગર અરજણ નાણેચા નામનો ગ્રાહક એક મહિલા સાથે ઝડપાયો હતો.. પૂછપરછમાં તેણે ગેસ્ટ હાઉસ સંચાલકને 700 રૂપિયા આપીને આવ્યો હોવાનું કબૂલ્યું હતું.
આ ઉપરાંત રૂમ નંબર 104 માંથી અન્ય 2 મહિલાઓ મળી આવી હતી.પકડાયેલી મહિલાઓની પૂછપરછ કરતા તેઓ ડીસા, આણંદ અને હિંમતનગર વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું.મહિલાઓએ જણાવ્યું હતું કે ગેસ્ટ હાઉસ સંચાલક રસિક સોમા આજોલા (રહે. મંડલોપ, તા. ચાણસ્મા) સાથે સંપર્ક થતાં તેઓ અહીં આવી હતી અને ગ્રાહક પાસેથી મળતી રકમમાંથી અડધો ભાગ સંચાલક રાખતો હતો તેમજ બાકીનો ભાગ તેઓને આપતો હતો. દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસ સંચાલક સ્થળ પર મળી આવ્યો ન હતો.વધુમાં ગેસ્ટ હાઉસમાં રજિસ્ટર યોગ્ય રીતે નિભાવવામાં આવતું ન હતું તેમજ પથિક સોફ્ટવેરનો ઉપયોગ ન કરી જિલ્લા
મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં ખૂલ્યું હતું. આ મામલે પોલીસે રસિક સોમા આજોલા સામે અનૈતિક વેપાર અટકાવવાનો અધિનિયમ (PITA)ની કલમ 3, 4, 5, 7 તથા ભારતીય ન્યાય કલમ 223 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.





