રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ધાનેરા

ધાનેરા, થરાદ અને વાવમાં પેટ્રોલ-ડીઝલની અછત! પ્રજામાં આક્રોશ

સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાએ જનતાની કમર તોડી નાખી છે, ત્યારે હવે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભાવવધારાની સાથે-સાથે ઇંધણની ભારે અછત સર્જાતાં હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને ધાનેરા, થરાદ, વાવ અને દિયોદર તાલુકામાં પેટ્રોલ-ડીઝલ ન મળવાના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકો જે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, ત્યાં આ અછતની સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. ગઈકાલે તો તમામ પેટ્રોલ પંપો પર જથ્થો સાવ ખાલી થઈ ગયો હતો, જ્યારે આજે પંપો પર લાંબી કતારો વચ્ચે મર્યાદિત માત્રામાં જ પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

બનાસકાંઠાના સરહદી પંથકમાં પેટ્રોલ અને ડીઝલની તંગી હવે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. ધાનેરા, થરાદ અને વાવ પંથકના પેટ્રોલ પંપો પર ગઈકાલે 'નો સ્ટોક'ના બોર્ડ જોવા મળ્યા હતા. આજે પરિસ્થિતિ થોડી સુધરી છે પરંતુ પંપ સંચાલકો પાસે પૂરતો જથ્થો ન હોવાને કારણે વાહનચાલકોને મર્યાદિત માત્રામાં જ ઇંધણ આપવામાં આવી રહ્યું છે. પંપ પર બપોર સુધી જ ચાલે તેટલો જથ્થો હોવાથી ગમે ત્યારે સ્થિતિ વધુ બગડે તેવી દહેશત સેવાઈ રહી છે.

અત્યારે પંપ પર મોટરસાયકલ કે કાર ચાલકોને માત્ર ₹300 થી ₹500 સુધીનું જ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ડીઝલ પણ માત્ર ₹400 થી ₹800 સુધીનું જ આપવામાં આવે છે. પંપ પર આવતો જથ્થો બપોર સુધીમાં જ ખાલી થઈ જાય છે, જેના કારણે દુર-દુરથી આવતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

આ વિસ્તાર માટે ડીઝલ એ માત્ર ઇંધણ નથી, પણ ખેતી અને પશુપાલન માટેની 'લાઇફ લાઇન' છે. ટ્રેક્ટર અને સિંચાઈના પંપો ડીઝલ વગર શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે. જો આ જ પ્રકારે ડીઝલની અછત ચાલુ રહેશે, તો ખેડૂતોનો પાક સુકાઈ જશે અને પશુપાલકો માટે લીલો ચારો લાવવો પણ મુશ્કેલ બની જશે. આ અછતને કારણે જગતના તાત અને પશુપાલકોની મુશ્કેલીમાં રાતોરાત વધારો થયો છે. આમ, એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ પેટ્રોલ-ડીઝલની આ અછતને કારણે ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા પંથકમાં પ્રજાનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને ઓઇલ કંપનીઓ આ સરહદી વિસ્તારની ગંભીર સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર