ભવ્ય વિઝ્યુઅલ્સ, જબરદસ્ત એક્શન અને સ્ટારડમ વચ્ચે સૌથી મોટો સવાલઃ ફિલ્મની અસલી વાર્તા શું છે?
‘KGF’ ફેમ યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ટોક્સિક: અ ફેરી ટેલ ફોર ગ્રોન-અપ્સ’નું ટ્રેલર 8 ઓગસ્ટે રિલીઝ થયું છે. લાંબી રાહ બાદ સામે આવેલા 4 મિનિટ 38 સેકન્ડના ટ્રેલરમાં યશ અત્યંત ખતરનાક ગેંગસ્ટરના અવતારમાં જોવા મળે છે. ફિલ્મમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત સહિતની સ્ટારકાસ્ટ છે. ફિલ્મનું દિગ્દર્શન ગીતુ મોહનદાસે કર્યું છે અને ફિલ્મ 26 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
પરંતુ આટલા લાંબા ટ્રેલર બાદ પણ દર્શકોના મનમાં એક સવાલ રહી જાય છે- આખરે ફિલ્મની વાર્તા શું છે: ટ્રેલરમાં અનેક પાત્રો અને ઝડપી કટ્સ સાથે એક પછી એક એક્શન સિક્વન્સ જોવા મળે છે, પરંતુ વાર્તા સાથેનું ભાવનાત્મક જોડાણ સ્પષ્ટ થતું નથી. આથી એવી આશંકા ઊભી થાય છે કે ફિલ્મ પોતાના ભવ્ય વિઝ્યુઅલ્સ અને યશના સ્ટારડમ પાછળ વાર્તાની નબળાઈ તો છુપાવી રહી નથી ને?
યશનો દમદાર અંદાજ, પણ ‘KGF’થી કેટલો અલગ: યશ ફરી એકવાર ખતરનાક, હિંસક અને સ્ટાઇલિશ પાત્રમાં જોવા મળે છે. ‘KGF’માં રોકી ભાઈના પાત્રથી યશ આ અવતારમાં દર્શકોના દિલમાં પોતાની ખાસ ઓળખ બનાવી ચૂક્યો છે. આથી ટ્રેલર બાદ સ્વાભાવિક સવાલ થાય છે કે શું ‘ટોક્સિક’ યશને રોકી ભાઈના ઝોનમાંથી બહાર કાઢી શકશે? યશનો લુક અને એક્શન મોટા પડદા માટે યોગ્ય લાગે છે, પરંતુ માત્ર સ્વેગ, હિંસા અને ડાયલોગબાજીના સહારે ફિલ્મને અલગ ઓળખ અપાવવી પડકારરૂપ બની શકે છે.
સ્ટાઇલ આગળ, વાર્તા પાછળ! : ‘ટોક્સિક’ને પીરિયડ ગેંગસ્ટર એક્શન ડ્રામા તરીકે રજૂ કરવામાં આવી રહી છે. ફિલ્મની વાર્તા ગોવાની પૃષ્ઠભૂમિમાં અપરાધની દુનિયામાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરતા એક વ્યક્તિની આસપાસ ફરતી હોવાનું કહેવાય છે. જોકે ટ્રેલરમાં વાર્તા કરતાં એક્શન, હથિયારો, ગ્લેમર અને મોટા સેટ પીસ વધુ હાવી જોવા મળે છે. જો ફિલ્મની મુખ્ય વાર્તા મજબૂત નહીં હોય તો આટલો મોટો સ્કેલ અને ભવ્ય એક્શન પણ દર્શકોને લાંબા સમય સુધી જકડી રાખી શકશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.
કિયારા-નયનતારા સહિતની ફીમેલ સ્ટારકાસ્ટની ભૂમિકા હજુ રહસ્યમય: ફિલ્મમાં કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરેશી, તારા સુતારિયા અને રુક્મિણી વસંત જેવી અભિનેત્રીઓ મહત્વની ભૂમિકામાં છે. પરંતુ ટ્રેલર જોયા બાદ તેમના પાત્રો વિશે હજુ પણ સંપૂર્ણ સ્પષ્ટતા થતી નથી. કિયારા અડવાણીનું પાત્ર ‘નાદિયા’ અગાઉ ‘તબાહી’ ગીતને કારણે ચર્ચામાં આવ્યું હતું. ગીતમાં યશ અને કિયારાની કેમેસ્ટ્રી તથા ઇન્ટિમેટ સીન્સને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદ પણ થયો હતો. જોકે, ટ્રેલરમાં કિયારાનું પાત્ર વાર્તામાં કેટલું મહત્વ ધરાવે છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
ટ્રેલર પહેલાંથી જ વિવાદોમાં રહી ‘ટોક્સિક’ : ‘ટોક્સિક’નું ટીઝર રિલીઝ થયા બાદ મહિલાઓના ચિત્રણને લઈને પણ વાંધા ઉઠ્યા હતા. આમ આદમી પાર્ટીની મહિલા વિંગે ફરિયાદ કરી હતી. બીજી તરફ એક ખ્રિસ્તી સંગઠને ટીઝરમાં આર્કએન્જલ માઈકલની પ્રતિમા દર્શાવવાને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.





