પાટણ તાલુકાના રખાવ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર જનતા રેડ

દેશી દારૂના સાધનો સાથે પાટણ ધારાસભ્યને સાથે રાખીને ગ્રામજનોએ સરસ્વતી પોલીસ મથકે હલ્લાબોલ કર્યો
પાટણના ધારાસભ્યનું કડક વલણથી પોલીસ અધિકારીનો ઉધડો લીધો
પાટણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સહિત સરસ્વતી તાલુકાના રખાવ ગામના ગ્રામજનોએ દેશી દારૂના દૂષણ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. જેને પગલે સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં ગરમાવો આવી ગયો છે. હોળી ઘૂળેટીનું પર્વ ઉજાવતાં ધારાસભ્ય જનતા રેડ બાદ પોલીસ સ્ટેશન પર દોડી ગયા હતા.વારંવારની રજૂઆતો છતાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા ગ્રામજનોએ જાતે જ ધૂળેટી પર્વે દારૂના અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી, દારૂ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો અને આ તમામ મુદ્દામાલ સાથે સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. અહીં પાટણ ના ધારાસભ્યનું એંગ્રીયંગમેન રૂપ જોવા મળ્યું હતું. તેમણે પોલીસનો ઉધડો લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રખાવ ગામમાં હાલમાં એક પ્રતિષ્ઠા મહોત્સવ જેવો ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો છે. પવિત્ર વાતાવરણ વચ્ચે પણ ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ ન થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે અનેકવાર મૌખિક અને લેખિત જાણ કરવા છતાં પોલીસ કોઈ નક્કર પગલાં ભરતી નથી. અંતે જનતાએ કાયદો હાથમાં લીધા વિના,પુરાવા એકઠા કરવાના હેતુથી અડ્ડાઓ પર જઈ દારૂ ગાળવાની ભઠ્ઠીઓ અને અન્ય સાધનો કબજે કર્યા હતા.
પોલીસ સ્ટેશનમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે,ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને, PI ને જાણ કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી PI ચૌધરીને ફોન કરેલો. PI ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા, એવું સમજે છે PI કે આ એના બાપનું પોલીસ સ્ટેશન છે! એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતો નથી. એના પછી મેં SPને પણ ફોન કરેલો, એના પછી ફરીથી મેં બે વાર ફોન કરેલા.છતાં પણ સરસ્વતી PI મોટા હપ્તા લઈ, સરસ્વતી પોલીસ સ્ટેશનના જે જે અધિકારીઓ અહીં છે એમના માટે ગામ લોકોનું કહેવું છે કે મોટા મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરાવતા હતા.
આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ PI ને ફોન કર્યો તો PI એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી તમારે થાય એ કરી લો, અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટા પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છતાં જો ધારાસભ્યની પણ રજૂઆત ના સંભળાતી હોય તો આ PI ને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ ધારાસભ્યએ તાત્કાલિક અસરથી સરસ્વતી તાલુકાના તમામ ગામોમાંથી દેશી દારૂના અડ્ડાઓ નાબૂદ કરવાની માંગ કરી છે. પોલીસ મથક પરિસરમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડતા અને સૂત્રોચ્ચાર થતા વાતાવરણ તંગ બન્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે આટલા મોટા વિવાદ બાદ પોલીસ તંત્ર જાગશે કે પછી બુટલેગરો સામેની કાર્યવાહી માત્ર કાગળ પર જ સીમિત રહેશે.
ટેગ્સ:#patan#Local Politics#Bootleggers#Patan MLA#Saraswati Police Station#liquor factory#Rakhav village
સંબંધિત સમાચાર
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
18 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
