ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીની બે મહત્ત્વપૂર્ણ સહકારી સંસ્થાઓ સાબરડેરી અને જિલ્લા સહકારી બેંકની ચૂંટણી અચાનક મોકૂફ રાખવામાં આવી છે. કાલે યોજાનારી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં નિર્ણય લેવાતાં સહકારી ક્ષેત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
સાબરકાંઠા-અરવલ્લીની બંને મહત્ત્વપૂર્ણ સહકારી સંસ્થાઓમાં આગામી અઢી વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી થવાની હતી. આ માટે આવતીકાલે ચૂંટણી યોજાવાની હતી. જોકે, છેલ્લી ઘડીએ ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે અચાનક લેવાયેલા આ નિર્ણયથી બંને સંસ્થાઓમાં નવા હોદ્દેદારોની પસંદગીની પ્રક્રિયા હાલ અટકી ગઈ છે.
બંને સહકારી સંસ્થાઓમાં હોદ્દેદારોની પસંદગી માટે પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી મોકૂફ રાખવામાં આવતાં રાજકીય અને સહકારી વર્તુળોમાં
ચૂંટણીના ગણતરીના કલાકો પહેલાં નિર્ણય લેવાતાં તેની પાછળનાં કારણો અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. જોકે, ચૂંટણી મુલતવી રાખવા પાછળનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી. બંને સંસ્થાઓમાં ચેરમેન પદની પસંદગી અટકી જતાં સહકારી ક્ષેત્રના આગેવાનો અને સભાસદોની નજર હવે આગામી ઘટનાક્રમ પર છે.
બંને સંસ્થાઓની નવી ચૂંટણી તારીખ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દિવાળી બાદ સાબરડેરી અને જિલ્લા બેંકની ચૂંટણી યોજાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે નવી ચૂંટણી તારીખ ક્યારે જાહેર થાય છે અને બંને સંસ્થાઓમાં ચેરમેન તથા વાઇસ ચેરમેન તરીકે કોની પસંદગી થાય છે તેના પર ઉત્તર ગુજરાતના સહકારી જગતની નજર મંડાઈ છે.





