ત્રણ દરવાજાથી બગવાડા સુધી રોડ પર મૂકેલો સામાન હવે જપ્ત કરાશે
પાટણ શહેરમાં સ્વચ્છતા જાળવવા અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા દબાણકારો તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે લાલ આંખ કરીને આકરી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરથી વિશેષ રીતે નિમાયેલા સ્વચ્છતા માર્શલ નાગજીભાઈ દેસાઈ,આરસીએમ વી.એન.પટેલની સીધી દેખરેખ હેઠળ ટીમ દરરોજ કાર્યવાહી કરી રહી છે.જોકે, માત્ર દંડ ભર્યા પછી પણ દબાણકારો ફરીથી રોડ પર સામાન ગોઠવી દેતા હોવાનું ધ્યાન પર આવતાં, હવે તંત્ર દ્વારા દંડની સાથે સીધી જપ્તીની કાર્યવાહી હાથ ધરવાનો આકરો નિર્ણય લેવાયો છે.પાટણ શહેરમાં સ્વચ્છતા માર્શલ નાગજીભાઈ દેસાઈની સંયુક્ત આગેવાની હેઠળ ચાલી રહેલી આ કામગીરીમાં દરરોજ સરેરાશ રૂ. 5 હજાર સુધીનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
રોડ પર ગંદકી ફેલાવતા, કચરાપેટી ન રાખતા અને દબાણ કરતા 200 જેટલા શાકભાજી વિક્રેતાઓ તથા દુકાનદારો પાસેથી રૂ. 100, રૂ.200 અને રૂ.500 લેખે અત્યાર સુધીમાં કુલ રૂ.30,000 નો દંડ વસૂલ કરાતાં નિયમભંગ કરનારાઓમાં ભારે કંપારી છૂટી ગઈ છે.બગવાડા માર્ગ સહિત પાટણ સિટીના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહારમાં અડચણરૂપ બનતાં તમામ દબાણોને આગામી દિવસોમાં સપાટાભેર દૂર કરવામાં આવશે.આ માટે પાલિકાની ટીમને સાથે રાખીને ત્રણ દરવાજાથી હિંગળા ચાચર થઈ બગવાડા સુધીના મુખ્ય માર્ગ પર વિશેષ ડ્રાઈવનું આયોજન કરાયું છે. આ કામગીરી દરમિયાન દુકાનદારો દ્વારા રસ્તા પર મૂકવામાં આવતા લોખંડના સ્ટેન્ડ, આડાશ કે અન્ય સામાનને હટાવવાની કોઈ સૂચના આપ્યા વિના સીધો જપ્ત કરીને પાલિકાના ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવશે. તો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું સ્વચ્છતા માર્શલ નાગજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું.





