દિયોદર માર્કેટ સમિતિની 16 ડિરેક્ટર બેઠકો માટે ગતરોજ કુલ 92 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાતા ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં જ ઝટકો લાગ્યો હોવાનું સામે આવ્યું છે. ધી નરાણા કાલા કપાસ ઉત્પાદક અને રૂપાંતર મંડળીમાંથી ફોર્મ ભરેલ વર્તમાન ચેરમેન મલાભાઈ સગરામભાઈ ચૌધરી, જયંતીભાઈ કાળાભાઈ ચૌધરી, ભાવેશભાઈ હેમરાજભાઈ ચૌધરી અને ડૉ. દેવજીભાઈ માલાભાઈ પટેલના ફોર્મ રદ કરવામાં આવ્યા છે.
ખરીદ-વેચાણ વિભાગની બે બેઠકો માટે અગાઉ આશરે આઠ મંડળીઓ દ્વારા ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં માત્ર ધી નરાણા કાલા કપાસ ઉત્પાદક અને રૂપાંતર મંડળીને માન્ય ગણવામાં આવી હતી અને અન્ય મંડળીઓને મતદાર યાદીમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. આ નિર્ણય સામે વાતમ મંડળીના નારણભાઈ શિવાભાઈ ભુરીયાએ કોર્ટમાં પડકાર કર્યો હતો.કોર્ટમાં રજૂ થયેલા મુદ્દા મુજબ દિયોદર માર્કેટ સમિતિનું માર્કેટ ચોગાન વર્ષ 2024માં મંજૂર થયું હોવાથી નરાણા કાલા કપાસ મંડળીને ખરીદીની ત્રણ વર્ષની મુદત પૂર્ણ થતી નથી. કોર્ટના નિર્ણય બાદ આ મંડળી મતદાર યાદીમાં ન રહેતા તેમાંથી ભરાયેલા ઉમેદવારી ફોર્મ રદ થયાનું માનવામાં આવે છે. ખરીદ-વેચાણ વિભાગની બે બેઠકો માટે ભરાયેલા કુલ 8 ફોર્મમાંથી 4 ફોર્મ રદ થયા છે. જ્યારે ખેડૂત વિભાગ અને વેપારી વિભાગના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.જોકે માર્કેટ સમિતિ ના વર્તમાન ચેરમેન માલાભાઇ પટેલ દ્વારા ખેડૂત વિભાગમાં પણ ફોર્મ ભરેલ છે.જે માન્ય રહેવા પામેલ છે.
બીજી તરફ ઉમેદભાઈ નવાજી પટેલ અને વિજયભાઈ રેવાભાઈ પટેલ દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે નરાણા કાલા કપાસ મંડળીને સભાસદ તરીકેનો અધિકાર આપવામાં આવ્યો છે, તેની સરખામણીએ ધી કુવારવા કાલા કપાસ મંડળી, ધી કુવારવા બીજ મંડળી તેમજ ધી દિયોદર વિભાગીય સંઘની કામગીરી સરકારના નિયમો મુજબ વધુ હોવા છતાં તેમને મતદાનનો અધિકાર કેમ નહીં મળે ? આ રજૂઆત બાદ તેમની તરફેણમાં નિર્ણય આવતા તેમના ઉમેદવારી ફોર્મ ચાલુ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.દિયોદર માર્કેટ સમિતિની કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, જેમાં 10 ખેડૂત, 4 વેપારી અને 2 ખરીદ-વેચાણ વિભાગની બેઠકોનો સમાવેશ થાય છે. હવે આગામી 9 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે કઈ બેઠકો પર ખરેખર ચૂંટણી યોજાશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
ખરીદ-વેચાણ વિભાગની બે બેઠકો પર પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાની સમર્થિત ચાર ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા છે. જેમાંથી શિવાભાઈ ભુરીયા દ્વારા નક્કી કરાયેલા બે ઉમેદવારોના ફોર્મ જાળવી રાખી અન્ય બે ફોર્મ પરત ખેંચાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયાએ જણાવ્યું હતું કે, “મારી આગેવાનીમાં અમારી ટીમ મક્કમતાપૂર્વક ચૂંટણી લડશે.”દિયોદર માર્કેટ સમિતિ ખાતે જિલ્લા રજીસ્ટ્રાર મિતેષભાઈ ત્રિવેદી સહિતના અધિકારીઓની હાજરીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ફોર્મ ચકાસણી બાદ હવે 9 ઓક્ટોબરના દિવસે ચૂંટણીનું અંતિમ ચિત્ર સામે આવશે.





