એપીએમસી માર્કેટ સામેના શાલીગ્રામ બંગ્લોઝમાંથી તસ્કરો કાર લઈ ફરાર, રાત્રિના 11થી સવારના 6 વાગ્યા વચ્ચેની ઘટના
ડીસા શહેરમાં વાહનચોરીની ઘટના સામે આવી છે. શહેરના પાટણ હાઇવે પર એપીએમસી માર્કેટની સામે આવેલા શાલીગ્રામ બંગ્લોઝમાં રહેતા એક બાંધકામ કોન્ટ્રાક્ટરની ઘર આગળ પાર્ક કરેલી મહેન્દ્રા સ્કોર્પિયો કાર અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરી થયેલી કારની કિંમત આશરે રૂ. 15 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ડીસાના શાલીગ્રામ બંગ્લોઝમાં રહેતા અને બાંધકામ કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા મુકેશભાઈ વેરશીભાઈ પ્રજાપતિએ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં કાર ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તા. 14 નવેમ્બરના રોજ રાત્રે આશરે 11 વાગ્યે તેમણે પોતાની મહેન્દ્રા સ્કોર્પિયો કાર નંબર GJ-18-BS-0399 ઘર આગળ લોક કરીને પાર્ક કરી હતી. ત્યારબાદ તેઓ ઘરે જઈ સૂઈ ગયા હતા.
બીજા દિવસે તા. 15 નવેમ્બરના રોજ સવારે આશરે 6 વાગ્યે તેઓ વોકિંગ માટે બહાર નીકળ્યા ત્યારે ઘર આગળ પાર્ક કરેલી કાર જોવા મળી નહોતી. આસપાસ તપાસ કરવા છતાં કારનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ચોરી થયેલી સ્કોર્પિયો કાર વર્ષ 2023ના મોડલની હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂ. 15 લાખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.





