પાટણના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી અપહરણ અને ખંડણીના ગુના આચરતા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે. આ અંતર્ગત સરસ્વતી તાલુકાના વામૈયા ઠાકોર વાસના સંપુજી ઉર્ફે ચંપુજી જેસંગજી ઠાકોર (ઉંમર 37) સામે પાસા દરખાસ્ત તૈયાર કરાઈ હતી.
જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણે આ દરખાસ્ત મંજૂર કરતા આરોપીની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કર્યો હતો. એલ.સી.બી. પાટણની ટીમે સંપુજી ઉર્ફે ચંપુજી ઠાકોરને ઝડપી તેને સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપી જૂનાગઢ મધ્યસ્થ જેલ મોકલવાની કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ રેકોર્ડ મુજબ, સંપુજી ઉર્ફે ચંપુજી ઠાકોર સામે પાટણ સિટી એ ડિવિઝન, પાટણ સિટી બી ડિવિઝન અને સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં કુલ 6 ગંભીર ગુના નોંધાયેલા છે. આ ગુનાઓમાં અપહરણ, ખંડણી, રાયોટિંગ, હત્યાનો પ્રયાસ અને ધાકધમકીનો સમાવેશ થાય છે.





