વાવ-થરાદ વિસ્તારમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા ફૂડ રજીસ્ટ્રેશન કેમ્પનું સફળ આયોજન કરાયું
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬' ની જોગવાઈઓ હેઠળ વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે 'ફૂડ લાયસન્સ / રજીસ્ટ્રેશન કેમ્પ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખાદ્ય ચીજવસ્તુઓના વેપારીઓને કાયદાકીય નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ નાગરિકોને શુદ્ધ, પૌષ્ટિક અને સુરક્ષિત આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.
આ કેમ્પ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરની ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી ઓનલાઇન પ્રક્રિયા તેમજ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તંત્રની સક્રિય કામગીરીના પરિણામે સ્થળ પર જ કુલ ૫૮ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને 'ફૂડ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ / લાયસન્સ' તૈયાર કરી એનાયત કરવામાં આવ્યા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આ પ્રશંસનીય પગલાથી સ્થાનિક વેપારીઓને ઘરઆંગણે સરળતાથી લાયસન્સ ઉપલબ્ધ થયું છે. આ પ્રકારની કામગીરીથી સમગ્ર વિસ્તારમાં ખાદ્ય સુરક્ષાના ધોરણો વધુ મજબૂત બનશે અને સામાન્ય નાગરિકો માટે સલામત આહાર વ્યવસ્થાનું નિર્માણ થશે.





