રોઝુ માયનોર ડિસ્ટ્રી કેનાલ તાત્કાલિક ચાલુ કરવાની માંગ સાથે સમયસર કામ નહીં થાય તો ધરણાની ચીમકી
રાધનપુર તાલુકાના રોઝુ, મઢુત્રા અને પીપરાળા ગામના ખેડૂતોએ રોઝુ માયનોર ડિસ્ટ્રી કેનાલની તાત્કાલિક મરામત કરી સિંચાઈ માટે ચાલુ કરવાની માંગ સાથે 1 ઓક્ટોબરે રાધનપુર નર્મદા નિગમ કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ જણાવ્યું કે, કેનાલ શરૂ થયાને લાંબો સમય થયો હોવા છતાં તેમને સિંચાઈનો લાભ મળ્યો નથી. ગયા વર્ષે કેનાલ તૂટી ગઈ હતી, અને આ વર્ષે પણ વરસાદથી તેને નુકસાન થયું છે.
મઢુત્રા KBCથી રોઝુ ગામ સુધીની કેનાલ ઘણી જગ્યાએ તૂટેલી છે. તેમાંથી માટી, કાંપ અને ઝાડ-ઝાંખરા હટાવાયા નથી. અગાઉના કામની ગુણવત્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે ફરી નુકસાન થયું છે.ખેડૂતોએ શિયાળુ પાક માટે પાણી મળે તે માટે કેનાલની સફાઈ અને મરામત કરી વહેલી તકે ચાલુ કરવાની માંગ કરી છે. ત્રણ વર્ષથી કેનાલ બંધ હોવાથી સિંચાઈની મુશ્કેલી છે. સમયસર કામ નહીં થાય તો નર્મદા નિગમ કચેરી સામે અમુદતના ધરણા-પ્રદર્શનની ચીમકી અપાઈ છે. આવેદનપત્રની નકલ ગાંધીનગરના ડાયરેક્ટરને પણ મોકલાઈ હોવાનું જાણવા મળ્યું છે.





