ભાભર રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા જન સંવાદ કાર્યક્રમમાં ભાભરના અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા રેલવે વિભાગ સમક્ષ ભાભરથી પસાર થતી ટ્રેનોને સ્ટોપેજ આપવા તેમજ રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
ભાભર તાલુકાના લોકો લાંબા સમયથી રેલવે સુવિધાઓ વધારવાની માંગ કરી રહ્યા છે. રજૂઆતમાં ભુજ–બાંદ્રા ટ્રેન નંબર 12960 અને બાંદ્રા–ભુજ ટ્રેન નંબર 12959ને દૈનિક નિયમિત રીતે ચલાવવાની માંગ કરવામાં આવી હતી. આ ટ્રેન અમદાવાદ, વડોદરા અને સુરત થઈ મુંબઈ તરફ જતી હોવાથી ભાભર વિસ્તારના વેપારીઓ, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, ટેક્સટાઇલ વ્યવસાયકારો તેમજ સામાન્ય મુસાફરોને નિયમિત રેલવે સુવિધાનો લાભ મળી શકે તેમ છે.
આ ઉપરાંત, ભુજ–દિલ્હી ટ્રેન નંબર 19403 અને દિલ્હી–ભુજ ટ્રેન નંબર 19404ને ભાભર રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવા પણ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કર્તાઓના જણાવ્યા મુજબ, ભચાઉ બાદ ભીલડી સુધી આશરે 216 કિલોમીટરના અંતરમાં અન્ય સ્ટોપેજ ન હોવાથી ભાભર ખાતે સ્ટોપેજ આપવામાં આવે તો આસપાસના વિસ્તારના મુસાફરોને મોટી રાહત મળી શકે છે. જન સંવાદ કાર્યક્રમમાં ભાભર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે ટિકિટ વિન્ડો, ટ્રેનના કોચ અને પ્લેટફોર્મની માહિતી આપતાં ઇન્ડિકેટર, પ્લેટફોર્મ નંબર-1 પરથી પ્લેટફોર્મ નંબર-2 પર જવા માટે લિફ્ટની સુવિધા તેમજ પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા પણ માંગ કરવામાં આવી હતી.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ભાભર તાલુકો વેપાર અને રોજગારની દૃષ્ટિએ મહત્વ ધરાવે છે. ત્યારે રેલવે સ્ટેશન પર પાયાની સુવિધાઓનો વિકાસ કરવામાં આવે અને ટ્રેનોને યોગ્ય સ્ટોપેજ આપવામાં આવે તો ભાભર સહિત આસપાસના ગામોના મુસાફરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને મોટો લાભ મળી શકે છે. હવે રેલવે વિભાગ દ્વારા સ્થાનિક લોકોની આ રજૂઆતને ધ્યાને લઈને ટ્રેનોના સ્ટોપેજ અને ભાભર રેલવે સ્ટેશનના વિકાસ અંગે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.





