સમી પોલીસે રાધનપુર હાઈવે પર આવેલા વાવલ ગામના પાટીયા પાસેથી એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 2500ની કિંમતની બંદૂક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સમી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને મળેલી બાતમી મુજબ, અમરાપુર પાટી ગામનો અબ્દુલભાઈ જાનીભાઈ સીંધી મિયાણા નામનો શખ્સ વાવલ ગામના પાટીયા તરફથી સમી તરફ દેશી બંદૂક સાથે આવી રહ્યો છે.આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપી અબ્દુલભાઈને ઝડપી પાડી તેની પાસેથી દેશી બનાવટની બંદૂક કબજે કરી હતી. સમી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.





