કુદરતના કહેર વચ્ચે તંત્ર નફ્ફટ,ખેડૂતો લાચાર
ચોમાસુ પાકો બચાવવા, વાવેતર અને પાણીના તળ જાળવવા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ
પાટણ, બનાસકાંઠા અને વાવ -થરાદ જિલ્લામાંથી પસાર થતી સુજલામ- સુફલામ કાચી કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની ખેડૂતો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. અપૂરતા વરસાદ વચ્ચે હાલ ખેતી માટે પાણીની જરૂરિયાત વધી રહી છે ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે તો આસપાસના અનેક ગામોના ખેડૂતોને ભારે રાહત મળી શકે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, હાલ એક તરફ નહિવત્ વરસાદના કારણે ખેતીના પાક પર સંકટ ઊભું થયું છે, તો બીજી તરફ ભૂગર્ભ જળસ્તર સતત ઊંડું જઈ રહ્યું છે. બનાસ નદી પણ હાલ સૂકી પડી હોવાથી ખેડૂતો માટે સિંચાઈના વૈકલ્પિક સ્ત્રોતો પર આધાર વધ્યો છે. આવી સ્થિતિમાં સુજલામ-સુફલામ કેનાલમાં સમયસર પાણી છોડવામાં આવે તો ખેડૂતોને પાક બચાવવામાં મદદ મળી શકે તેમ છે.
ખેડૂતોનું કહેવું છે કે પાણીના અભાવે શિયાળુ વાવેતર તેમજ ઉભા ચોમાસુ પાકને અસર થવાની ભીતિ છે. ડીઝલ, વીજળી, બિયારણ અને ખેતીના અન્ય ખર્ચમાં વધારો થતાં ખેતી કરવી પહેલેથી જ મોંઘી બની છે. વધતી મોંઘવારી વચ્ચે સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થઈ શકે છે. ખેડૂતો દ્વારા માત્ર પાણી છોડવાની જ નહીં પરંતુ સુજલામ-સુફલામ કેનાલની જરૂરી સફાઈ અને જાળવણી કરવાની પણ માંગ કરવામાં આવી છે. કેનાલમાં કચરો, માટી,ઝાડી ઝાંખર કે અન્ય અવરોધો હોય તો પાણીનો પ્રવાહ અસરગ્રસ્ત થઈ શકે છે, જેથી પાણી છોડતા પહેલાં જરૂરી સફાઈ અને સમારકામની કામગીરી કરવામાં આવે તેવી પણ રજૂઆત છે.
ખેડૂતોની માંગ છે કે સંબંધિત સિંચાઈ વિભાગ અને તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પરિસ્થિતિનો તાગ મેળવી સુજલામ- સુફલામ કેનાલમાં પાણી છોડવાની સાથે કેનાલની સફાઈ-જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવે, જેથી કાંકરેજના પૂર્વ વિસ્તાર સહિત ત્રણેય જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી મળી રહે અને ઉભા પાકને બચાવી શકાય.





