ઊંઝા નગરપાલિકાની સાધારણ જનરલ સભા પાલિકા કચેરીના સભાગૃહમાં યોજાઈ હતી. આ બેઠક ઊંઝા પાલિકા પ્રમુખ ક્રીમાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં શહેરના સર્વાંગી વિકાસ અને લોકોપયોગી વિવિધ કામો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી તમામ મહત્વના મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ અગત્યની બેઠકમાં પાલિકા ઉપપ્રમુખ અતુલભાઈ નાયક, ચીફ ઓફિસર જીતુભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અલ્કેશભાઈ પટેલ સહિત નગરપાલિકાના તમામ કોર્પોરેટરો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અગાઉની સભાની કાર્યવાહીને બહાલી આપવા સાથે શહેરના માળખાકીય સુવિધાઓ વધારવા બાબતે સર્વસંમતિ સાધવામાં આવી હતી.
સભામાં રજૂ કરાયેલા મુખ્ય કામોમાં રસ્તા રીપેરીંગ, ભૂગર્ભ ગટર અને નવીન ગટર-પાણીના કનેક્શનની કામગીરી, સ્ટ્રીટ લાઈટ તથા મંડપ-સાઉન્ડ સિસ્ટમના ટેન્ડરો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી, તેમજ ફાયર શાખામાં ભરતી અને સ્ટાફ સંબંધિત મહત્વના નિર્ણયો મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ સીધી અને સરળતાથી મળે તે માટેના વિવિધ ઠરાવો પણ પસાર કરાયા હતા. ઊંઝા ઊમિયા માતાજી મંદિર પાસે આવેલ ધ જો રબારી મ્યુ પ્રા શાળા નંબર 4 સમારકામ કરવા મુદ્દે આવેલ અરજી સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.





