ભારે ટ્રાફિકના કારણે ટ્રેનને રોકવાની ફરજ પડી, મોટી દુર્ઘટના ટળી હોવાની શક્યતા
ડીસાના ભોપાનગર નગર વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હોવાના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સાંજના સુમારે ફાટક પર ભારે ટ્રાફિકજામ થતાં અંદાજે એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ દરમિયાન સામેથી ટ્રેન આવી પહોંચતાં ફાટક બંધ કરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી.
ફાટક પર ટ્રાફિકનું ભારણ એટલું વધી ગયું હતું કે ટ્રેનને રોકી રાખવાની ફરજ પડી હતી. હોમગાર્ડના જવાનો હાજર હોવા છતાં ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. અંતે ફાટકની બંને બાજુ વાહનવ્યવહાર રોક્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. સમયસર ટ્રેનને રોકવામાં ન આવી હોત તો કોઈ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની હોત, તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે.
વારંવારની સમસ્યા, છતાં કાયમી ઉકેલની રાહ
ભોપાનગર રેલવે ફાટક પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. ફાટક બંધ થતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જાય છે અને લોકોને લાંબા સમય સુધી અટવાઈ રહેવું પડે છે. ખાસ કરીને ઇમરજન્સીના સમયે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. સ્થાનિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રાફિકજામ દરમિયાન જો 108 એમ્બ્યુલન્સ ફસાઈ જાય તો દર્દીને સમયસર સારવાર માટે લઈ જવામાં વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક મદદની જરૂર હોય તેવા દર્દીઓ માટે મુશ્કેલી ઊભી થવાની આશંકા છે.
ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ
રેલવે ફાટક પર ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. જોકે, કામની ધીમી ગતિને કારણે વાહનચાલકોને હજુ લાંબા સમય સુધી મુશ્કેલી સહન કરવી પડી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હવે તંત્ર દ્વારા ઓવરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ત્યાં સુધી રેલવે ફાટક પર ટ્રાફિકનું યોગ્ય સંચાલન થાય તેવી લોકમાગ ઊઠી રહી છે.





