તસ્કરોને પકડવા જતાં જાગૃત નાગરિક પર જીવલેણ હુમલો: એક બાઇક સહિત રોકડની ઉઠાંતરી કરી ટોળકી ફરાર, પંથકમાં ભયનો માહોલ
અરવલ્લી જિલ્લાના સરહદી શામળાજી પંથકમાં ખાખીનો કોઈ ખોફ ન રહ્યો હોય તેમ તસ્કરો બેફામ બન્યા છે. શામળાજી નજીક આવેલા પાલ્લા ગામે તસ્કરોની ટોળકીએ એક જ રાતમાં પાંચ જેટલા મકાનોને નિશાન બનાવી સામૂહિક ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપતાં સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે. જેમાં લગ્નની તૈયારીઓ ચાલતી હતી તેવા એક ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી આશરે ૧૦ લાખથી વધુની મતા ચોરી લૂંટારુઓ પલાયન થઈ ગયા હતા. ચોરી કરી ભાગી રહેલા તસ્કરોને પકડવાની હિંમત દાખવનાર એક સ્થાનિક યુવક પર તસ્કરોએ હિચકારો હુમલો કરી માર મારતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, શામળાજી પંથકના પાલ્લા ગામે મોડી રાત્રે ત્રાટકેલી ચાર જેટલા તસ્કરોની ટોળકીએ એક પછી એક પાંચ મકાનોના નકૂચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જે પૈકી એક પરિવારમાં નજીકના દિવસોમાં લગ્નપ્રસંગ હોવાથી ઘરમાં લગ્નની ખરીદી પેટે રાખેલા સોના-ચાંદીના કિંમતી ઘરેણાં તેમજ રોકડ રકમ સહિત અંદાજે ૧૦ લાખ રૂપિયાની મતા પર તસ્કરોએ હાથફેરો કર્યો હતો. આ ઉપરાંત અન્ય મકાનોમાંથી પણ એક લાખથી વધુની રોકડ તેમજ એક મોટરસાયકલ (બાઇક)ની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. ચોરીની ઘટના દરમિયાન એક જાગૃત નાગરિકની નજર પડતાં તેણે અપ્રતિમ સાહસ દાખવી બે તસ્કરોને ઝડપી પાડ્યા હતા. જોકે, તેમના બચાવમાં આવેલા અન્ય બે તસ્કરોએ અચાનક હુમલો કરી પકડનાર વ્યક્તિને નિર્દયતાપૂર્વક માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અને પોતાના સાથીઓને છોડાવી અંધારાનો લાભ લઈ તમામ તસ્કરો ફરાર થઈ ગયા હતા.
એક જ રાતમાં પાંચ મકાનોમાં ચોરી અને હુમલાની બનેલી આ ઘટનાથી પાલ્લા ગામ સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં ભય અને દહેશતનો માહોલ છવાયો છે. ગ્રામજનોમાં રોષ ફેલાયો છે કે પોલીસની ઢીલી કામગીરીના કારણે તસ્કરો નિર્ભય બનીને ગુનાને અંજામ આપી રહ્યા છે. આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા શામળાજી પોલીસ રાત્રિ દરમિયાન ગામડાઓમાં સઘન અને કડક નાઈટ પેટ્રોલિંગ હાથ ધરે તેમજ ભયનું વાતાવરણ દૂર કરી તસ્કરોને તાબડતોબ જેલના સળિયા પાછળ ધકેલે તેવી ઉગ્ર લોકમાંગ ઊઠી છે.





