એક મહિનાથી વેરો ભરવા ન મળતાં નાગરિકો પરેશાન: પાલનપુર વિકાસ સમિતિની તંત્રને રજૂઆત
પાલનપુર નગરપાલિકામાં છેલ્લા એક મહિનાથી વેરા વસૂલાત બંધ હોવાના કારણે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. વેરાની પાવતી ન મળતાં દુકાનદારો, વેપારીઓ અને સામાન્ય નાગરિકોનાં વિવિધ સરકારી તથા વ્યવસાયિક કામો અટવાયાં છે.
આ મુદ્દે પાલનપુર વિકાસ સમિતિના કન્વીનર હિદાયત પરમારે નગરપાલિકાના મુખ્ય અધિકારી, પ્રમુખ સહિત જિલ્લા કલેક્ટર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી વેરા વસૂલાત તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ ૧૦ ટકા રિબેટની મુદત વધારવા, વિલંબ બદલ દંડમાંથી રાહત આપવા, ચેકથી વેરો સ્વીકારવાની સુવિધા શરૂ કરવા તથા વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે ઘરેથી વેરો વસૂલવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિએ વેરા વસૂલાત બંધ રહેવાનું કારણ જાહેર કરી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા અને રજૂઆત અંગે સાત દિવસમાં લેખિત જવાબ આપવા પણ માંગ કરી છે.





