પાલનપુર શહેરમાં તલવાર વડે હુમલાની ઘટના સામે આવી હતી. શહેરના જુના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં દાબેલી ની લારી ચલાવતા યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ હુમલામાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુરના જુના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં તલવાર વડે હુમલાની ઘટના બનતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ દાબેલી ની લારી ચલાવતા યુવક ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન તેમની રિક્ષા સાથે અડફેટે આવવા બાબતે માથાકૂટ થઈ હતી. દરમિયાન લઘુમતી સમાજના રિક્ષાચાલક દ્વારા દાબેલીની લારી ચલાવતા યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલાની ઘટનામાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં હિન્દુ સંગઠનોના લોકો પણ રાત્રિના સમયે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને હુમલામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવાની માંગ કરી હતી.
બીજી તરફ ઘટનાની જાણ થતાં પાલનપુર પૂર્વ પોલીસ પણ હરકતમાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી હુમલાનું ચોક્કસ કારણ અને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.





