પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને રાષ્ટ્રિય ગૌરવની ભાવના દ્રઢ થાય તે હેતુથી ભારત વિકાસ પરિષદ, પાટણ શાખા દ્વારા ‘ભારત કો જાનો’ પરીક્ષાના પ્રથમ તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે આયોજિત આ સ્પર્ધામાં બાળકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અંદાજે 2500 બાળકોએ આ પરીક્ષા આપી હતી.આજના ડિજિટલ યુગમાં સામાન્ય જ્ઞાન અને વિષય વસ્તુની દ્રષ્ટિએ આ પરીક્ષા બાળકો માટે અત્યંત લાભદાયી પૂરવાર થઈ રહી છે.પરીક્ષામાં ધર્મ-સંસ્કૃતિ, ઇતિહાસ,ગુજરાતની વિરાસત, ભૂગોળ, બંધારણ, સાહિત્ય અને વર્તમાન પ્રવાહો જેવા વિષયો આવરી લેવાયા છે, જે બાળકોના સર્વાંગી વિકાસ, તાર્કિક ક્ષમતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પાયાને મજબૂત બનાવે છે.પરીક્ષામાં 28 પ્રાથમિક અને 17 માધ્યમિક શાળાઓના 2500 થી વધુ છાત્રોએ ભાગ લીધો હતો. પ્રથમ તબક્કા બાદ શાળા કક્ષાએ પ્રથમ બે ક્રમે આવનાર વિદ્યાર્થીઓ મૌખિક પરીક્ષામાં ભાગ લેશે. ત્યારબાદ વિજેતા ટીમ ઉત્તર પ્રાંત, રિજિયોનલ અને નેશનલ કક્ષા સુધી પાટણનું પ્રતિનિધિત્વ કરશે.





