અજાણ્યો બાઈક ચાલક ટક્કર મારી ફરાર થતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સિદ્ધપુરના દેથળી સર્કલ નજીક રોંગ સાઈડમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે આવેલા એક અજાણ્યા બાઈક ચાલકે પગપાળા જઈ રહેલા 21 વર્ષીય યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવકના જમણા પગના ઘૂંટણના ભાગે ગંભીર ફ્રેક્ચર થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે ટક્કર મારીને બાઈક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે સિદ્ધપુર પોલીસે અજાણ્યા મોટર સાયકલ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના અલીપુરા (ગણેશપુરા) ખાતે રહેતો અને છાપી ખાતે કાર ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરતો 21 વર્ષીય રીયાકતભાઈ યાસીનભાઈ મીર ગતરોજ રાત્રે આશરે 21:00 કલાકે છાપીથી એક ઇકો ગાડીમાં બેસીને સિદ્ધપુર આવવા નીકળ્યો હતો.તે રાત્રે તાવડીયા ચોકડીથી દેથળી સર્કલ નજીક ગાડીમાંથી ઉતરીને પગપાળા દેથળી સર્કલ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન દેથળી સર્કલ તરફથી રોંગ સાઈડમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલા એક અજાણ્યા મોટરસાયકલના ચાલકે રીયાકતભાઈને જોરદાર ટક્કર મારી હતી.
આ ટક્કરથી રીયાકતભાઈ તેમજ બાઈક ચાલક બંને રોડ પર પટકાયા હતા. જોકે, અજાણ્યો બાઈક ચાલક તાત્કાલિક પોતાનું મોટરસાયકલ ઊભું કરીને સીએનજી પંપ તરફ નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજા થતાં યુવકે પોતાના પિતાને ટેલિફોન દ્વારા જાણ કરી હતી, જેથી તેના પિતા સ્થળ પર દોડી આવ્યા હતા અને ખાનગી વાહન મારફતે તેને તાત્કાલિક સિદ્ધપુરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યો હતો. હોસ્પિટલના તબીબી તપાસમાં યુવકના જમણા પગના ઘૂંટણના ભાગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. અને તેને ઓપરેશન કરાવવાની જરૂરિયાત જણાતાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સિદ્ધપુર પોલીસે ગુનો નોધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





