બોર્ડર વિસ્તારમાં ૧૬૯ લીલા છોડ સાથે ખેડૂત સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ: માદક પદાર્થો સામે પોલીસની કડક ઝુંબેશ
અરવલ્લી જિલ્લાના સરહદી વિસ્તારમાં ગેરકાયદેસર માદક પદાર્થોના વાવેતર અને વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે. શામળાજી તાબેના ગલીસેમરો ગામે એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે સંયુક્ત દરોડો પાડી મકાઈ અને જુવારના પાકની આડમાં કરવામાં આવેલી ગેરકાયદેસર ગાંજાની ખેતી ઝડપી પાડી છે.
પોલીસ ટીમે બાતમીના આધારે ગલીસેમરો ગામે રહેતા ૩૬ વર્ષીય અનિલભાઈ મરતાભાઈ ડામોરના ખેતરમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન કપાસ, મકાઈ અને જુવારના વાવેતર વચ્ચેથી લીલા ગાંજાના નાના-મોટા કુલ ૧૬૯ છોડ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર એફએસએલ (FSL) અધિકારીઓને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતાં આ છોડ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી. પોલીસે ખેતરમાંથી ૮૬.૨૫૦ કિલોગ્રામ વજન ધરાવતો ₹૪૩,૧૨,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અનિલભાઈ ડામોર સામે શામળાજી પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, "અરવલ્લી જિલ્લામાં નશાના દૂષણને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને રાજસ્થાન સરહદી વિસ્તારમાં બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી એન્ટી નાર્કોટિક્સ વિંગ અને એસઓજીની સંયુક્ત ટીમે સમયસર કાર્યવાહી કરીને ખેતરમાં મકાઈ-જુવારના પાકની આડમાં ચાલતી ગાંજાની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ કર્યો છે. જિલ્લામાં યુવાધનને ગેરમાર્ગે દોરતા માદક પદાર્થોના વાવેતર, સંગ્રહ કે હેરાફેરીમાં સંડોવાયેલા કોઈપણ અસામાજિક તત્વોને બક્ષવામાં આવશે નહીં અને આવા ગુનેગારો સામે કડકમાં કડક કાનૂની પગલાં લેવાનું ચાલુ રહેશે."





