વિજયનગર તાલુકાના સરસવ ગામેથી અસારી ફળિયા સુધીના ડામર માર્ગનું નવીન કામ હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત અંદાજિત ૬૪ લાખના ખર્ચે બનનારા આ માર્ગના કામગીરીનો શુભારંભ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેષભાઈ બારાના વરદહસ્તે શ્રીફળ વધેરીને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષભાઈ બારા, સરપંચ શ્રીમતી ધનુબેન અસારી, અમૃતભાઈ અસારી, ઉપસરપંચ ગણેશભાઈ સહિત સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખના સક્રિય માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લાંબા સમયથી પડતર એવા માર્ગ પ્રશ્નનું નિરાકરણ આવતાં સરસવ અને અસારી ફળિયાના ગ્રામજનો તથા વાહનચાલકોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આ પાકા ડામર રોડનું નિર્માણ થવાથી રાહદારીઓ તથા ગ્રામજનોને અવરજવરમાં મોટી સુવિધા પ્રાપ્ત થશે.





