રૂ. ૧૦ હજારનો મોબાઇલ જપ્ત કરી અન્ય ૬ સાગરીતોની શોધખોળ તેજ : પીકઅપ ડાલામાં આવી રાત્રિના સુમારે કેબલ ચોરી અન્યત્ર વેચી દીધાની કબૂલાત
ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ભેટાલી ગામની સીમમાં સ્થિત સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ વાયરની ચોરીનો વણઉકેલાયેલો ગુનો અરવલ્લી એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે રાજસ્થાનના એક સાગરીતને મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ચોરીમાં સંડોવાયેલા અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા આપેલી સૂચના અન્વયે એલસીબી પી.આઈ. એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.ડી. વાઘેલા, પી.એસ.આઈ. વી.જે. તોમર સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી. ભિલોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૪(૨), ૫૪ મુજબ નોંધાયેલા ગુના સંદર્ભે ઘટનાસ્થળની મુલાકાત લઈ સીસીટીવી ફૂટેજ, સર્વેલન્સ સ્ક્વોડ અને બાતમીદારો મારફતે પગેરું મેળવવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કોટડીયા અને આસપાસના શખ્સો સોલાર પ્લાન્ટને નિશાન બનાવી ચોરી કરતા હોવાની ચોક્કસ કડી મળી હતી.
ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ભિલોડાના ધોલવાણી ખાતેથી શકમંદ નિલેષ સુરેશભાઈ મીણા (ઉં.વ. ૧૯, રહે. મોર મોવડા, તા. છોટી સર્વણ, જિ. બાંસવાડા-રાજસ્થાન)ને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. તેની કડક પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, આશરે દોઢેક માસ પહેલાં તે સાગરીત ગોવિંદભાઈના પીકઅપ ડાલામાં બેસી ડુંગરપુર, રતનપુર અને શામળાજી આશ્રમ થઈ ભિલોડા રોડ પર ડુંગર નજીક રાત્રે બે વાગ્યાના સુમારે આવ્યા હતા. ત્યાં આવેલા સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયર કાપી ત્રણ કોથળામાં ભરી પીકઅપમાં મૂકી ફરાર થઈ ગયા હતા. ચોરી કરેલો આ વાયર અન્ય ઠેકાણે વેચી દઈ ગોવિંદે નિલેષને રૂ. ૧,૫૦૦ આપ્યા હતા.
પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો આધાર-પુરાવા વગરનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન બી.એન.એસ.એસ. કલમ-૧૦૬ મુજબ જપ્ત કરી આરોપીની બી.એન.એસ.એસ. કલમ-૩૫(૧)(ઈ) હેઠળ અટકાયત કરી વધુ તપાસ અર્થે ભિલોડા પોલીસ મથકે સોંપ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓ ગોવિંદભાઈ સવજીભાઈ ચરપોટા, પ્રકાશ સવજીભાઈ ચરપોટા, પિન્કુ સવજીભાઈ ચરપોટા, રાજેશ ચરપોટા, સુનીલ ચરપોટા (તમામ રહે. કોટડીયા, તા. છોટી સર્વણ, જિ. બાંસવાડા-રાજસ્થાન) તેમજ ચિન્ધુ (રહે. ચંદરગઢ, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડવા પોલીસે કવાયત તેજ કરી છે.





