અરવલ્લી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોન ઝડપથી શોધી કાઢી અરજદારોને પરત અપાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા મોડાસા વિભાગના ડીવાયએસપી જે.ડી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસે ટેકનોલોજીની મદદથી પ્રશંસનીય સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શામળાજી પોલીસ સ્ટેશન ખાતે એક અરજદારનો કિંમતી મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોવાની અરજી મળી હતી. જે અંગે શામળાજી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ ટીમે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલનો ઉપયોગ કરી ટેકનિકલ સર્વેલન્સ હાથ ધર્યું હતું.
આ પોર્ટલ મારફતે લોકેશન ટ્રેસ થતાં, પોલીસે ગણતરીના દિવસોમાં અરજદારનો ગુમ થયેલ અંદાજે ₹59,999ની કિંમતનો 'આઈફોન-12' (iPhone 12) સહી-સલામત શોધી કાઢ્યો હતો. ત્યારબાદ પોલીસે 'તેરા તુજ કો અર્પણ' અભિગમ અપનાવી સદર મોંઘાદાટ મોબાઈલ ફોન તેના મૂળ માલિક-અરજદારને સોંપી રાહત કરાવી હતી. પોતાનો ખોવાયેલો કિંમતી આઈફોન પરત મળતાં અરજદારે શામળાજી પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.





