એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ગાડી કોર્ડન કરી, ચાલક ઝડપાયો
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં ખીમાણા–શિહોરી નેશનલ હાઈવે ઉપર માનપુર નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી સ્કોર્પિયો ગાડી સાથે એક શખ્સને પાલનપુર એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ.11.63 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી શિહોરી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પાલનપુર એલસીબી પોલીસને બાતમી મળી હતી કે જીજે-19-એએ-5708 નંબરની સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શિહોરી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી વાળી સ્કોર્પિયો ગાડી પસાર થતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે ગાડી ઉભી ન રાખતાં પોલીસે તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન શિહોરી–માનપુર હાઈવે ઉપર એસ.એમ. એન્ટરપ્રાઇઝ ની સામે સ્કોર્પિયો ચાલકે પોલીસના ખાનગી વાહનને ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ સ્કોર્પિયો બાદમાં રસ્તા પાસેના ખાડામાં જતાં પોલીસે ગાડીને કોર્ડન કરી હતી અને ગાડીના ચાલક પ્રવીણ ઉર્ફે પમશા મોહનલાલ વગતારામ બિશ્નોઈ (ગોદારા) ને ઝડપી પાડ્યો હતો.
પોલીસે સ્કોર્પિયોની તપાસ કરતાં તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ સહિત રૂ.7,33,524નો મુદ્દામાલ, રૂ.4 લાખની સ્કોર્પિયો ગાડી અને રૂ.30,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.11,63,524 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે શિહોરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો, ક્યાં પહોંચાડવાનો હતો તેમજ આ કથિત દારૂની હેરાફેરીમાં અન્ય કોણ સંડોવાયેલું છે ? તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





