ચોમાસાની ઋતુ દરમિયાન પેટ્રોલ પંપના સ્ટોરેજ ટેન્કમાં વરસાદી પાણી પ્રવેશે નહીં અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઇંધણ ઉપલબ્ધ રહે તે હેતુસર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તા. 07 ઓગસ્ટ, 2026 ના રોજ પાટણ–ઊંઝા રોડ પર આવેલા ત્રણ પેટ્રોલ પંપની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી હેમાંગિનીબેન ગુર્જરના માર્ગદર્શન હેઠળ એ.કે. પેટ્રોલિયમ (BPCL), જય નર્મદા પેટ્રોલિયમ(HPCL) અને માં શક્તિ પેટ્રોલિયમ (BPCL) ખાતે સ્ટોરેજ ટેન્કની તપાસ કરવામાં આવી હતી.ચકાસણી દરમિયાન ચોમાસા માં સ્ટોરેજ ટેન્કમાં વરસાદી પાણી ન ભરાય તે માટે જરૂરી સાવચેતી રાખવા પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપવામાં આવી હતી.
ઉપરાંત, વોટર સોલ્યુબલ પેસ્ટ (Water Soluble Paste) દ્વારા સ્ટોરેજ ટેન્કમાં પાણીની હાજરીની પણ ચકાસણી કરવામાં આવી હતી.જિલ્લા પુરવઠા વિભાગે જણાવ્યું હતું કે ગ્રાહકોને ગુણવત્તાસભર અને શુદ્ધ ઇંધણ ઉપલબ્ધ રહે તેમજ ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની અનિયમિતતા ન સર્જાય તે માટે આવી ચકાસણીઓ નિયમિતપણે હાથ ધરવામાં આવશે.





