રાત-દિવસ સઘન ચેકિંગ વચ્ચે ગેરકાયદે રેતી ખનન અને વહન સામે કાર્યવાહી, એક ભરેલું અને ચાર ખાલી ટ્રેક્ટર ઝડપાયાં
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના કંબોઈ બનાસ નદી વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. વિભાગ દ્વારા રાત-દિવસ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે એક રેતી ભરેલા અને ચાર ખાલી મળી કુલ પાંચ ટ્રેક્ટર ઝડપી પાડી સીઝ કરવામાં આવતાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, ખાણ-ખનીજ વિભાગની ચેકિંગ ટીમે કંબોઈ બનાસ નદી વિસ્તારમાં તપાસ દરમિયાન વિના રોયલ્ટી રેતીનું વહન કરતા એક ટ્રેક્ટરને ઝડપી પાડ્યું હતું. જ્યારે અન્ય ચાર ખાલી ટ્રેક્ટર રેતી ભરવા માટે નદી વિસ્તારમાં પ્રવેશી રહ્યાં હતાં. 30 સપ્ટેમ્બરના જાહેરનામાના ભંગ બદલ આ ચાર ટ્રેક્ટર સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અંતર્ગત રેતી ભરેલા ટ્રેક્ટર સામે અંદાજે રૂ. 45 હજારનો દંડ ફટકારવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે ચાર ખાલી ટ્રેક્ટર પૈકી પ્રત્યેક સામે અંદાજે રૂ. 25 હજાર મુજબ કુલ રૂ. 1 લાખનો દંડ થઈ શકે છે. આમ, પાંચેય ટ્રેક્ટર સામે કુલ અંદાજે રૂ. 1.45 લાખના દંડની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાણ-ખનીજ વિભાગે તમામ પાંચ ટ્રેક્ટરોને સીઝ કરી રેતીના પ્લાન્ટ ખાતે રાખ્યાં છે. બનાસ નદી વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન સામે વિભાગની આ કાર્યવાહીથી ખનન માફિયા ઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે, નદી વિસ્તારમાં ગેરકાયદે ખનન પર કાયમી અંકુશ લાવવા માટે સતત દેખરેખ અને નિયમિત કાર્યવાહી જરૂરી બની છે. બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતાસિંહના માર્ગદર્શન હેઠળ ચાર સભ્યોની ટીમ ખાનગી વાહનમાં રાત-દિવસ સઘન ચેકિંગ કરી રહી છે. ખાણ-ખનીજ વિભાગની સતત દેખરેખ અને કડક કાર્યવાહીથી ગેરકાયદે રેતી ખનન તથા વહન કરતા તત્વો સામે લગામ કસવાના પ્રયાસો તેજ બન્યા છે.





