ડીસા-પાલનપુર હાઇવે પર ગંજ માર્કેટ પાસે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા વાહનચાલકે બાઈક સવાર યુવકને અફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે સાથે બેઠેલા અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભોયણ ગામના રહેવાસી ભરતભાઈ (ઉ.વ. 38) અને મદારજી બાબુજી ઠાકોર ગત સવારે પોતાની સ્પ્લેન્ડર બાઈક (નં. GJ-35-L-3741) લઈને ડીસા ખાતે દુકાનનો સામાન લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ડીસા ગંજ માર્કેટ પાસે રામાધણી પાર્લર આગળ પહોંચતા પાલનપુર તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા વાહનચાલકે તેઓની બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ભરતભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે બાઈકની પાછળ બેઠેલા મદારજી ઠાકોરને શરીરે વધતા-ઓછી ઈજાઓ થતા તેઓને ડીસાની ડૉ. મેહુલ મોઢ સાહેબની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે મૃતકના કાકાના દીકરા ભાઈ રમેશભાઈ દલશાભાઈ પ્રજાપતિની ફરિયાદના આધારે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને નાસી છૂટેલા વાહનચાલકની શોધખોળ અને કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે.





