કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માંગ કરી
પાટણ જિલ્લા કોંગ્રેસ અને આરજીપીઆરએસ સંગઠને કલેક્ટર કચેરી ખાતે વિવિધ પડતર પ્રશ્નો અને અન્યાયી નીતિઓ સામે આવેદનપત્ર પાઠવ્યું હતું.આ આવેદનપત્ર રાધનપુર નગરપાલિકાના કોંગ્રેસના મહિલા સદસ્ય સાથેના ગેરવર્તન અને મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવા જેવા મુદ્દાઓ પર કેન્દ્રિત હતું.જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્ય જયાબેન ઠાકોર નગરપાલિકામાં હાજર હતા. તે સમયે ચીફ ઓફિસર અને સત્તા પક્ષના લોકોએ હોદ્દેદારોના નામે કહીને તેમને બળપૂર્વક બહાર કાઢી મૂક્યા હતા.
આ ઘટનાના અનુસંધાનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના કોઈપણ સદસ્ય કે સભ્ય સાથે ભવિષ્યમાં જો આવું ગેરવર્તન કરવામાં આવશે તો પાટણ જિલ્લા કોંગ્રેસ તેને કોઈપણ ભોગે સાંખી લેશે નહીં.આ મામલે આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રાધનપુર નગરપાલિકા નો ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ ઘડી કાઢવામાં આવશે. બીજી તરફ, આરજીપીઆર એસના જિલ્લા અધ્યક્ષે માહિતી આપી હતી કે, થોડા સમય અગાઉ મધ્ય પ્રદેશમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ ભારતીય ચૂંટણી પંચ દ્વારા અલોક તાંત્રિક રીતે રદ કરી દેવામાં આવ્યું છે.આ અન્યાયી નિર્ણયના વિરોધમાં, સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આરજીપીઆરએસ સંગઠન દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર મારફતે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધીને એક વિરોધ પત્ર અને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.





