બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલી મારુતિ સ્વીફ્ટ કારનો પીછો કરતાં વાછડાલ ગામની સીમમાં પાંચ પીપળા ગામના પાટિયા પાસે કાર મૂકી બે ઈસમો ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,391 બોટલ, સ્વીફ્ટ કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 6,70,193નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂની હેરાફેરીમાં પાયલોટિંગ કરતી અલ્ટો કારનો ચાલક પણ પોલીસને હાથતાળી આપી પોલીસ પકડથી દૂર રહ્યો હતો.
LCB ટીમને મળેલી બાતમીના આધારે ખીંમત ગામની સીમમાં ચાર રસ્તા પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ સમયે દારૂ ભરેલી સ્વીફ્ટ કાર નંબર GJ.08.FA.3703 અને તેની આગળ પાયલોટિંગ કરતી અલ્ટો કાર નંબર GJ.01.KS. 9602ના ચાલકોએ વાહનો રોક્યાં નહોતાં. પોલીસે પીછો કરતાં કિંમત-વાછડાલ હાઈવે પર પાંચ પીપળા ગામના પાટિયા પાસે સ્વીફ્ટ કાર મૂકીને ચાલક નરપતસિંહ દલપતસિંહ સોલંકી અને તેની બાજુમાં બેઠેલો અલ્પેશસિંહ દશરથસિંહ સોલંકી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ, પાયલોટિંગ કરતી અલ્ટો કાર પણ નાસી છૂટવામાં સફળ રહી હતી.
પોલીસે સ્વીફ્ટ કારની તપાસ કરતાં તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1,391 બોટલ, જેની કિંમત રૂ. 3,50,193 થાય છે, તે મળી આવી હતી. આ ઉપરાંત રૂ. 3 લાખની સ્વીફ્ટ કાર અને રૂ. 20 હજારના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. 6,70,193નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11195036260801/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 116(2), 81, 83 અને 98(2) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા તથા દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.





