રાધનપુર–વારાહી રોડ પર નેશનલ હાઈવે નંબર ૨૭ ઉપર કલ્યાણપુરા ગામના પુલ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ફોર્ચ્યુનર કારના ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારતાં મોટરસાયકલ સવાર ૩૭ વર્ષીય લાલાભાઈ મોતીભાઈ ભરવાડનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી.
મળતી માહિતી મુજબ, કમાલપુર ગામના રહેવાસી લાલાભાઈ મોતીભાઈ ભરવાડ મોટરસાયકલ નંબર GJ-01-JF-6686 લઈને મજૂરી અર્થે રાધનપુર આવ્યા હતા. દિવસ દરમિયાન કામ પૂર્ણ કર્યા બાદ તેઓ મોટીપીપળી તરફથી પોતાના ગામ કમાલપુર પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાત્રિના આશરે સાડા નવ વાગ્યાના સુમારે કલ્યાણપુરા ગામના પુલ નજીક વારાહી તરફ જતી ફોર્ચ્યુનર કાર નંબર GJ-02-DM-9460ના ચાલકે મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
કારની ટક્કરથી લાલાભાઈ મોટરસાયકલ પરથી રોડ પર પટકાયા હતા અને તેમના માથા સહિત હાથ-પગ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ તેમના પરિવારજનોને ગામના વોટ્સએપ ગ્રૂપમાં ફોટા મારફતે થતાં તેઓ તથા સમાજના અન્ય લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. ઇજાગ્રસ્ત લાલાભાઈને સારવાર માટે રાધનપુરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવાર દ્વારા અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે મૃતકના ભાઈએ ફોર્ચ્યુનર કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કારચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી મોટરસાયકલને ટક્કર મારી લાલાભાઈનું મોત નીપજાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવને પગલે રાધનપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.





