કાંકરેજ તાલુકાના ખોડલા સીમમાં સુજલામ-સુફલામ કેનાલના પુલ પાસેથી નંબર પ્લેટ વગરનાં ચાર બાઈક સાથે શખ્સ ઝડપાયો, રૂ. 40 હજારનો મુદ્દામાલ કબજે
કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ખોડલા ગામની સીમમાંથી નંબર પ્લેટ વગરનાં ચાર બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી મુજબ, શિહોરી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ખોડલા ગામની સીમમાંથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલ ઉપર એક શખ્સ નંબર પ્લેટ વગરનાં બાઈક સસ્તા ભાવે વેચવા માટે આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફે ખોડલા ગામની સીમમાં સુજલામ-સુફલામ કેનાલના પુલ પાસે આવેલી બાવળની ઝાડીમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન ત્યાં એક શખ્સ ચાર બાઈક સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રણજીતસિંહ સોવનજી રાઠોડ, રહે. મુડેઠા લાખણીપાટી, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલાં બાઈકો અંગે આધાર-પુરાવા માંગતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જેથી પોલીસે ચારેય બાઈક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે કબજે કરેલાં બાઈકમાં એક હીરો સ્પ્લેન્ડર, એક હીરો હોન્ડા, એક પ્રો બાઈક અને એક સીડી ડિલક્સનો સમાવેશ થાય છે. ચારેય બાઈકની અંદાજિત કિંમત રૂ. 40 હજાર આંકવામાં આવી છે. આ મામલે શિહોરી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 106 મુજબ કાર્યવાહી કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. અને બાઈકોના મૂળ માલિક તથા અન્ય વિગતો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.





