સાબરકાંઠા જિલ્લામાં 38,397 ખેડૂતો દ્વારા 10,273 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ
રાજ્યકક્ષાએ આયોજિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું
સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ઇડર ખાતે સાંસદ મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને અને જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મહાનુભાવોએ રિબન કાપીને પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાએ આયોજિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
ઇડર તાલુકામાં મુખ્ય શાકભાજી માર્કેટની પાછળ, આરામગૃહની બાજુમાં શરૂ કરાયેલા આ વેચાણ કેન્દ્ર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરવામાં આવશે. આ કેન્દ્રના માધ્યમથી નાગરિકોને પ્રાકૃતિક રીતે ઉત્પાદિત વિવિધ કૃષિ પેદાશો સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી રહેશે.
આ પ્રસંગે સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ પર પ્રતિકૂળ અસર થાય છે. સ્વસ્થ જીવન અને પર્યાવરણના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું જરૂરી છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને તેના ઉત્પાદનોને બજાર મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.





