ડીસા શહેરના વોર્ડ નં. ૯માં આવેલા મોહમદપુરા વિસ્તારના હૈદરી ચોક ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણીની સમસ્યાના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભૂગર્ભ ગટરની પાણીની પાઇપમાં લીકેજ થતાં ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું છે અને લોધવાસ સુધીના માર્ગ પર પાણી ભરાઈ જતાં રસ્તા પર જાણે ગંદા પાણીના સરોવરો સર્જાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ગટરનું પાણી રસ્તા પર ભરાઈ રહેતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો અને પગપાળા પસાર થતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાતા સ્થાનિક રહેવાસીઓ પણ પરેશાન બન્યા છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ અંગે નગરપાલિકા તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી લીકેજ થયેલી પાઇપનું સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે સમસ્યા યથાવત રહેતા લોકોમાં નગરપાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રસ્તા પર લાંબા સમય સુધી ગંદુ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સ્થાનિકોમાં સેવાઈ રહી છે. સ્થાનિકોએ નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ગટરનું લીકેજ દૂર કરી ગંદા પાણીનો નિકાલ કરાવવામાં આવે તેમજ સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ અને સફાઈ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નગરપાલિકા દ્વારા રહેવાસીઓ પાસેથી ઘરવેરા તથા સફાઈવેરા સહિતના વેરાની નિયમિત વસૂલાત કરવામાં આવે છે, ત્યારે તેના અનુરૂપ પાયાની સફાઈ અને ગટર વ્યવસ્થાની સુવિધા પણ સમયસર પૂરી પાડવામાં આવે તેવી લોકોની માંગ છે.આ અંગે જાગૃત પ્રમુખ કોશિકભાઈ સાધુ આ વિસ્તાર ની મુલાકાત લઈ યોગ્ય કાર્યવાહી કરી કાયમી સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ માગણી કરી હતી





