નાના બાળકો, પશુઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નવી ભીલડી હાઇવે રોડ ઉપર મેઇન બજાર વિસ્તારમાં હાઇવેની બાજુમાં 3 ફુટ ઉંડી સારી ખોદવામાં આવતા લોકોમાં અકસ્માતની ભીતી છવાઈ છે.મુખ્ય બજાર હોવાના કારણે સતત વાહનોની અવરજવર છે અને પ્રાથમિક શાળા તેમજ માર્કેટયાર્ડ પણ આવેલ છે જેની બાજુમાં લાંબા ખુલ્લા ખાડા જોખમરૂપ બની શકે છે. એક તરફ 30 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભીલડી ખાતે આવી રહ્યા છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઉંડા ખોદતાં લોકોમા ભારે નારાજગી જોવા મળી રહી છે. હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ બુધ્ધિનું દેવાળુ ફુક્યુ હોય તેવું લાગી રહ્યુ છે.નાના બાળકો, પશુઓ અને ટુ-વ્હીલર સહિતનાં વાહનચાલકો માટે આ સ્થિતિ મુશ્કેલી ઊભી કરી શકે છે. રાત્રિના સમયે અથવા ઓછા પ્રકાશમાં ખાડા સ્પષ્ટ ન દેખાય તો અકસ્માત થવાની પૂરેપૂરી શકયતા છે.
સ્થાનિક વિસ્તારમાંથી પસાર થતા લોકો માટે આ ખાડા હાલાકીનું કારણ બની શકે છે. કામ દરમિયાન જરૂરી સાવચેતી રાખવી, ખાડાની આસપાસ બેરિકેડિંગ કરવું, ચેતવણીનાં બોર્ડ લગાવવાં અને રાત્રિના સમયે દેખાય તેવી વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે.નવી ભીલડીના મુખ્ય બજાર વિસ્તારમાં લોકોની અવરજવર અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે અને ખાડાની આસપાસ યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જવાબદાર તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તે અત્યંત આવશ્યક છે. હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત વિભાગ આ જોખમી પરિસ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરે છે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવામાં આવશે ?





