તપાસ દરમિયાન 5 નમૂના લેવાયા અને પુનઃઉપયોગ માટે રખાયેલા 433 જૂના ખાલી ટીન સ્થળ પર જ નષ્ટ કરાયા
પાટણ શહેર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય તેલના પેકિંગ એકમો પર તપાસ હાથ ધરીને જૂના અને વપરાયેલા (Reused) 15 kg ના ટીનમાં ખાદ્ય તેલનું પેકિંગ કરતી બે પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કુલ 5 નમૂનાઓ લેવામાં આવ્યા હતા તેમજ રૂ. 16,14,106 ની કિંમતનો ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરી 433 જૂના ખાલી ટીન સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા પાટણ શહેર વિસ્તારમાં આવેલા ખાદ્ય તેલના પેકિંગ એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કેટલાક એકમો દ્વારા અગાઉ ઉપયોગમાં લેવાયેલા (Old/Reused) 15 kg ના ટીનમાં ખાદ્ય તેલનું પુનઃ પેકિંગ કરવામાં આવતું હોવાનું માલૂમ પડ્યું હતું. ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પ્રથમ એકમ N A OIL INDUSTRIES (સર્વે નં. 78, રાજપુર સીમ, ગોલાપુર RTO રોડ, પાટણ) ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. આ એકમના એફ.બી.ઓ. વિનોદભાઈ નરસિંગભાઈ પટેલ દ્વારા જૂના 15 kg ના ટીનનો ઉપયોગ કરી ખાદ્ય તેલનું પેકિંગ કરાતું હોવાનું જણાયું હતું. સ્થળ પરથી રિફાઇન સોયાબીન ઓઇલના 361 ડબ્બા (5415 kg) જેની કિંમત રૂ. 8,66,080 તથા મસ્ટર્ડ ઓઇલના 128 ડબ્બા (1918 kg) જેની કિંમત રૂ. 3,35,650 મળીને કુલ રૂ. 12,01,730 ની કિંમતનો 7333 kg ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરી 2 નમૂના લેવાયા હતા. આ ઉપરાંત સ્થળ પરથી મળી આવેલા વિવિધ બ્રાન્ડના 145 ખાલી જૂના ટીન અધિકારીઓની હાજરીમાં સ્ક્રેપ કરી નષ્ટ કરવામાં આવ્યા હતા.
બીજા કિસ્સામાં મે. Pareva Trading Company (24, નંદન વેરહાઉસ, નવા ગંજ સામે, પાટણ) ખાતે તપાસ કરવામાં આવી હતી, જેના એફ.બી.ઓ. દિલીપકુમાર દશરથભાઈ ભાટિયા છે. આ સ્થળેથી પણ 15 kg ના જૂના ટીનમાં ખાદ્ય તેલનું પેકિંગ થતું હોવાનું સામે આવ્યું હતું. ત્યાંથી રિફાઇન સોયાબીન ઓઇલના 568 kg (કિંમત રૂ. 1,21,364), 238 લીટર (કિંમત રૂ. 45,636) અને 5 kg જાર પેકિંગનો 1298 લીટર જથ્થો (કિંમત રૂ. 2,45,376) મળીને એકંદર રૂ. 4,12,376 ની કિંમતનો જથ્થો જપ્ત કરાયો હતો. આ એકમ પરથી કુલ 3 નમૂના લેવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પુનઃઉપયોગ ન થાય તે માટે 288 ખાલી જૂના ટીન સ્થળ પર જ સ્ક્રેપ કરીને નષ્ટ કરાયા હતા.બંને સ્થળો એથી મેળવાયેલા કુલ 5 ખાદ્ય નમૂનાઓને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી માંથી રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની ન્યાયિક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





